પ્રવાસમાં જવાનો આનંદ જ અનેરો હોય છે નહીં? એક તરફ આપણને કોઈ નવી જગ્યા જોવાની ઉત્કંઠા હોય અને બીજી તરફ પ્રવાસમાં કોઈ તકલીફ ન પડે તેવી આશા. પ્રવાસમાં આપણાથી કંટ્રોલ ન થઇ શકે તેવી તકલીફો આવી શકે છે તેના માટે આપણે માનસિક રીતે તૈયાર રહેવું જ જોઈએ, પરંતુ આપણે આપણી જાતેજ આપણા પ્રવાસમાં કોઈ તકલીફ ન ઉભી કરીએ એનું ધ્યાન તો આપણે જ રાખવાનું છે ને?
અહીં અમે એવી 7 તકેદારીઓ રાખવાની સલાહ તમને આપી રહ્યા છીએ જેને અનુસરવાથી તમારી ટ્રાવેલિંગની ઘણીબધી તકલીફો આપોઆપ દૂર થઇ જશે અથવાતો તમે જાતે જ તમારી માટે કોઈ મુશ્કેલી ઉભી નહીં કરો તેની ગેરંટી પણ થઇ જશે.
જૂની બેગો લઇ જવાનું ટાળો
આપણે માંડ વર્ષમાં એક જ વાર ભલેને કોઈ લાંબા પ્રવાસે જતા હોઈએ છીએ પરંતુ ટ્રાવેલ ગુરુઓની સલાહ એવી છે કે તમારી ટ્રાવેલ બેગ્સ દર પાંચ વર્ષે તો બદલો જ. આનું કારણ એ છે કે ટ્રાવેલિંગ પૂરું થઇ ગયા બાદ માળીયામાં કે અન્યત્ર જ્યાં તમે આ બેગ્સ સાચવીને મુકતા હોવ છો ત્યાં ધૂળ અને ભેજ તેના પર સતત અસર કરતા હોય છે. કદાચ એવું બને કે અમુક વર્ષ કરતા જૂની બેગ લઈને તમે નીકળી પડો અને એરપોર્ટ કે સ્ટેશન પર જ તેની ચેઈન તૂટી જાય અને બધો જ સમાન બહાર આવી જાય તો?
માટે જ જો ઉપરોક્ત સંજોગોમાં ગંતવ્ય પર પહોંચીને પહેલું કામ એક સારી ટ્રાવેલ બેગ ખરીદીને પ્રવાસનો મહામૂલો સમય તેમાં બરબાદ કરી નાખવાને બદલે દર પાંચ વર્ષે નવીનક્કોર ટ્રાવેલ બેગ લેવાનો આગ્રહ રાખો. આપણે આપણા ભવિષ્ય માટે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ તો પછી આવનારું એક અઠવાડિયું કે પછી દસ દિવસ સમાનને સાચવવા પાછળ ન જાય તેનું ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકાય?
આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાં પ્રી-ચેક ફેસિલીટીનો ઉપયોગ કરો
દુનિયાના એવા ઘણા દેશો છે અને ભારતીયો માટે હવે તો અમેરિકા પણ એ દેશોમાં સામેલ થઇ ગયું છે જ્યાં લો રિસ્ક અથવાતો નો રિસ્ક પ્રવાસીઓને ઈમિગ્રેશનની લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડતું નથી. આ પ્રકારના પ્રવાસીઓની વિસા આપતા અગાઉ અધિકારીઓ કડક ચકાસણી જરૂર કરતા હોય છે પરંતુ એકવાર સંતોષજનક ચકાસણી પૂરી થઇ ગયા બાદ તમે જ્યારે પણ એ દેશમાં જાવ તે અગાઉ પ્રી-ચેક ફેસીલીટી તમારે ઘેરથી જ એક્ટીવેટ કરાવીને નીકળો. આથી જ્યારે પણ તમે તમારા ગંતવ્ય સ્થાને પહોંચો ત્યારે તમે એરપોર્ટમાંથી સીધા જ બહાર નીકળી જઈ શકો.
જો શક્ય હોય તો બોઇંગ 767 પસંદ કરો
વિદેશ પ્રવાસ વખતે બને ત્યાંસુધી બોઇંગ 767ની પસંદગી તમને લાંબી સફર દરમ્યાન આરામ અપાવશે. ઘણીવાર એવું બને કે તમે બૂક કરવા ઈચ્છતા રૂટ પર બે પ્રકારની ફ્લાઈટ એક જ એરલાઇન્સ દ્વારા ચલાવાતી હોય, આવા સંજોગોમાં જો બોઇંગ 767નો વિકલ્પ હાજર હોય તો તેનેજ પસંદ કરો. આ પાછળનું કારણ એ છે કે તે મધ્યમથી મોટી કક્ષાના વિમાનો હોય છે અને મધ્યની સીટ અન્ય કોઈ વિમાન કરતા વધુ મોટી હોય છે આથી લાંબી મુસાફરીમાં તમને પગ લાંબા ટૂંકા કરવામાં તકલીફ પડતી નથી.
એરલાઇન્સની એપ ડાઉનલોડ કરો
ઠીક છે કે તમે અત્યારસુધી બુકિંગ ટ્રાવેલ એજન્ટ પાસેથી કે કોઈ ટ્રાવેલ એપ દ્વારા કરાવ્યું હોય પરંતુ નેક્સ્ટ ટાઈમ તમારી પસંદીદા એરલાઇન્સની એપ ડાઉનલોડ કરો. એરલાઇન્સ પોતાની એપ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતી હોય છે ખાસ તમારા માટેજ. એક વખત તમે જો તેમની ફ્લાઈટ વધુ વખત ઉપયોગમાં લીધી તો આ એપ દ્વારા જ તમને ખૂબ મોટા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ ફ્લાઈટ મોડી પડવાના સંજોગોમાં સાચી માહિતી આપશે તે ઉપરાંત વિદેશમાં જો ગેટ બદલાશે તો તેની માહિતી પણ તુરંત આપશે. આ ઉપરાંત પેપરલેસ બોર્ડીંગ પાસ તો ખરોજ! આથી તમારી સફર માત્ર આરામદાયક જ નહીં બને પરંતુ મનની શાંતિ પણ મળશે.
રોજીંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની અલગ બેગ બનાવો
લાંબા પ્રવાસ દરમ્યાન કપડાંનો એક સેટ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, દાઢીનો સમાન, સાબુ, શેમ્પૂ, હેર ઓઈલ વગેરેની એક અલગ નાનકડી બેગ રાખો જે માત્ર જરૂરિયાતના સમયે જ ખોલો. આમ કરવાથી કોઈ ઈમરજન્સીમાં તમારે અજાણ્યા નગરમાં ભાગદોડ કરવી નહીં પડે. છેલ્લા સમયે જ હોટલમાં શેમ્પૂ ન મળે તો તમારી આ એક્સ્ટ્રા બેગ તમને જરૂરથી કામમાં આવશે.