થોડા રાજસ્થાની અને થોડા કચ્છી ટચ સાથે ભુજની પોતાની એક અલગ જ મઝા છે. ભુજમાં ઇતિહાસ અને પ્રાચીન ભવ્યતા દર્શાવતા અનેક સ્મારકો આવેલ છે. અને આ બધામાં ભુજનો ભવ્ય ‘ભુજિયા કિલ્લો’ સૌથી અનેરો છે. આ તે જ કિલ્લો છે જેણે ભુજને તેનું નામ આપ્યું છે. અને અહીંના રાજવીએ અહીં વર્ષો સુધી શાસન કર્યું છે. આ કિલ્લો હાલ ક્ષતિગ્રસ્ત થયો છે પણ તેમ છતાં ઉપરથી કિલ્લાની ચારે બાજુ કરવામાં આવેલી લાંબી લાંબી દિવાલોને જોવાની પોતાની એક ખાસ મઝા છે.
ઇતિહાસ
કચ્છના સમ્રાટ એક રક્ષક કિલ્લાનું નિર્માણ કરવા ઇચ્છતા હતા. જેના કારણે તે મુગલ, રાજપૂત અને સિંધુ શાસકોથી પોતાની પ્રજાને બચાવી શકે. આ માટે જ પ્રથમ રાવ ગોડજીએ 1700 થી 1800 ઇસમાં રાજસી પહાડીમાં આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું. જેથી ઊંચાઇ પરથી દુશ્મનો પર નજર રાખી શકાય.
યુદ્ધનો ઇતિહાસ
અનેક નાના યુદ્ધા સમેત આ કિલ્લાએ 6 મોટો યુદ્ધ જોયા છે. જેમાં સૌથી લોકપ્રિય કહાની છે મુગલ સુબેદાર શેર બુલંદ ખાનની હારની. જેમાં શેર બુલંદ ખાન આ કિલ્લા પર જીત મેળવવાના જ હતા કે છેલ્લા સમયે નાગ બાબા કબીલાના યોદ્ધાઓએ કિલ્લામાં ધૂસી શેર બુલંદ ખાનની સેનાને કારમી હાર આપી ભુજ શાસકોની જીત પાક્કી કરી હતી.
નામકરણ
કથા મુજબ નાગા સરદાર ભુજંગે અહિ શાસન કર્યું હતું, જેથી આ વિસ્તારને ભુજિયો પહાડ કહેવાય છે. ભુજંગ સરદારના કારણે જ ભુજનું નામ પડ્યું છે તેવું મનાય છે. ભુજંગ નાગની યાદમાં અહીં એક પ્રસિદ્ધ મંદિર પણ આવેલું છે.
જોવા લાયક સ્થળો
આ કિલ્લામાં ભુજિયા પહાડનો એરિયલ લૂક અને ભુજંગ નાગ મંદિર બન્ને જોવા લાયક છે. અહી મુલાકાત લેવા માટે ચોમાસા કે શિયાળાનો સમય શ્રેષ્ઠ મનાય છે.