ભારત એક એવો દેશ છે, જ્યાં તમામ જગ્યાએ સંસ્કૃતિની વિવિધતા તો જોવા મળે જ છે, પરંતુ એવી ઘણી અનોખી જગ્યાઓ પણ છે, જ્યાં એવા અનુભવો થાય છે, જેને લોકો જીવનભર ભૂલી શકતા નથી. આવી જ એક જગ્યા છે ઓડિશાનો ચાંદીપુર બીચ. તે વિશ્વના અનોખા બીચમાંથી એક માનવામાં આવે છે. ઓડિશાના બાલાસોર જિલ્લામાં સ્થિત આ એક એવો બીચ છે, જ્યાં દરિયાનું પાણી સંતાકૂકડીની રમત રમે છે.
ક્યારેક તમે પાણી જુઓ છો અને ક્યારેક તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. ભુવનેશ્વરથી લગભગ 200 કિમી દૂર આવેલા આ બીચને હાઇડ એન્ડ સીક બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દરમિયાન ક્યારેક તમને પાણી દેખાય છે તો ક્યારેક તે ગાયબ થઈ જાય છે. જો તમે અહીં વધુ સમય વિતાવશો તો તમને આ નજારો જોવા મળશે. એવું કહેવાય છે કે અહીં દરરોજ બે વાર આ વિચિત્ર કુદરતી ઘટના બને છે.
અહીં રહેતા લોકો માટે આ સામાન્ય વાત છે, પરંતુ જે પણ પ્રવાસીઓ અહીં ફરવા આવે છે, તેઓ આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. એવું કહેવાય છે કે દરિયામાં ભરતી આવવાના કારણે આવું થાય છે. આ અદ્ભુત ઘટનાને જોવા અને કેમેરામાં કેદ કરવા માટે પ્રવાસીઓ દૂર-દૂરથી અહીં આવે છે.ચાંદીપુર બીચ કેસુરીના વૃક્ષો, નૈસર્ગિક પાણી અને લીલાછમ દરિયાકાંઠાની વનસ્પતિઓથી ઘેરાયેલો છે.
આ ઉપરાંત અહીં એક બીજું આકર્ષણ છે કે જ્યારે પાણીનો પ્રવાહ ઓછો હોય છે ત્યારે દરિયા કિનારે ઘણા દરિયાઈ મોતી પણ જોવા મળે છે, એટલું જ નહીં, કરચલા અને નાની માછલીઓ પણ કિનારે આવે છે. આ સિવાય ચાંદીપુરની આસપાસ પંચલિંગેશ્વર મંદિર, નીલગીરી, સજનગઢ, રેમુના અને ભીતરકણિકા જેવી જગ્યાઓ છે, જ્યાં પ્રવાસીઓ મુલાકાત લઈ શકે છે.