ચારે તરફ એટ્લાન્ટિક સમુદ્રની ઠંડક અને મનમોહક ટેબલ માઉન્ટેનની છત્રછાયામાં કેપટાઉન શહેર વિશ્વના સૌથી ખૂબસુરત શહેરોમાં સ્થાન પામે છે.અમેરિકન, બ્રિટિશ અને યુરોપિયનો માટે વર્ષોથી પરફેક્ટ હનિમૂન ડેસ્ટિનેશન બનેલું કેપટાઉન ધીરેધીરે ભારતીયોમાં પણ હોટ હનિમૂન ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છે. એનું એકમાત્ર કારણ એ છે કે કુદરતે કેપટાઉનને ખોબલે ખોબલે કુદરતી સૌંદર્ય આપ્યું છે. તેનું સૌથી મોટું કારણ અહીંનું તાપમાન છે. ગરમીમાં એટલે કે ભર ઉનાળે પણ આ શહેરની આબોહવા ઠંડી રહે છે
બીચ રોમાન્સ
કેપટાઉન તેના માઉન્ટેન ઉપરાંત બીચ માટે પણ જાણીતું છે. એટ્લાન્ટિક સમુદ્રનું શીતળ પાણી અહીંની આબોહવાને રોમેન્ટિક રાખે છે. હનિમૂન કપલ્સ માટે અહીંની હોટેલ્સ સૌથી સારી છે. પેકેજ બુકિંગ કિફાયતી પડે છે. સમરમાં અહીંના બીચ પર જાવ તો તમને માત્ર બોલીવૂડની જ નહીં પણ હોલીવૂડની હસ્તીઓ પણ આરામ ફરમાવતી કે દરિયામાં સ્નાન કરતી જોવા મળે છે. અહીંના બીચની ખાસિયત એ છે કે ગમે તેટલી મોટી હસ્તી હોય કોઈ ફોટોગ્રાફ્સ લેવા માટે પડાપડી ન કરે, કારણ કે દરેક ટુરિસ્ટને પ્રાઇવસી આપવાની શિસ્ત અહીંની સ્થાનિક પ્રજામાં જ નહીં, પણ અહીં આવતા ટુરિસ્ટમાં પણ આપોઆપ આવી જાય છે. જો તમે પણ તમારી પત્ની સાથે આલીંગનમાં ઓતપ્રોત હોવ તો અહીં તમને કોઈ ખલેલ નહીં પહોંચાડે.
ટેબલ માઉન્ટેન
ટેબલ માઉન્ટેન વિશ્વના સૌથી રોમેન્ટિક ડેસ્ટિનેશનમાં તો સ્થાન પામે જ છે, આ સ્થળ વિશ્વના નવા સાત અજૂબાઓમાં પણ સ્થાન પામે છે. અહીં જોવા મળતાં જીવ અને પ્લાન્ટ્સ વિશ્વના કોઈપણ ખૂણે જોવા મળતાં નથી. અહીંનો નજારો જ એટલો રોમેન્ટિક હોય છે કે તમને તમારી પ્રિયતમા કે પત્નીની સાથે આ જગ્યા સાથે પણ પ્રેમ થઈ જશે. આ જગ્યાને ટેબલ માઉન્ટેન એટલા માટે કહેવાય છે કારણ કે તેનો આકાર ટેબલ જેવો છે. તેની ટોચ ફ્લેટ એટલે કે સપાટ છે.
વોટરફ્રન્ટ
કેપટાઉનમાં એક સ્થળે જ્યાં દરિયો અને જમીન એવી રીતે મળે છે જ્યાં તમારી નજર સામે પહાડ પણ હોય અને તમારા હાથમાં મનપસંદ ભોજનની ડીશ હોય તો પછી પૂછવું જ શું? કેપટાઉનમાં સૌથી ફેમસ આ જગ્યાને વોટરફ્રન્ટ કહે છે, જ્યાં રેસ્ટોરન્ટ અને શોપિંગનો અદ્ભૂત અનુભવ ક્યારેય શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.વોટરફ્રન્ટની ઓપન રેસ્ટોરન્ટમાં ભોજન પણ આહ્લાદક અનુભવ છે. વોટરફ્રન્ટ પર સાંજ પડે આફ્રિકન લોકલ બેન્ડ લગાતાર મ્યુઝિક વગાડતાં રહે છે, જ્યાં કપલ્સ એકબીજામાં ઓતપ્રોત થઈને ડાન્સ કરે છે. અહીં પણ કોઈ રોકટોક નહીં અને કોઈ ખલેલ નહીં. સાંજ પડે અહીંની નેચરલ અને માનવસર્જિત લાઇટ્સનો માહોલ તમે ક્યારેય ભૂલી નહીં શકો.
ચેપમેન પીક
આ રસ્તો હનિમૂન કપલમાં એટલા માટે પોપ્યૂલર છે કારણ કે બાઇક કે કારમાં જતાં જે મોહક દૃશ્યો દેખાય છે તે નિર્જીવમાં પણ પ્રણયનો સંચાર કરી શકે છે. કેપટાઉનનું રંગબેરંગી આકાશ, બ્લ્યુ દરિયો અને સફેદ રેતીના બીચ તમારી નજર સામે હોય અને બાઇક પર પાછળ તમારી પ્રિયતમા બેઠી હોય ત્યારે જે અનુભવ થાય એ ક્યારેય ભુલાય એવો ન હોય એ સ્વાભાવિક છે.