હિમાચલ પ્રદેશની જેમ ઉત્તરાખંડ સરકાર પણ બહારના રાજ્યોમાંથી રાજ્યમાં આવતા વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. આ અંગે જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ ટેક્સ FASTag દ્વારા ટોલ પ્લાઝા પર લેવામાં આવશે.
ટેક્સની રકમ રૂ. 20 થી રૂ. 80 નક્કી કરવામાં આવી છે. જો કે રાજ્ય સરકારે કેટલાક વાહનોને આ ટેક્સમાંથી રાહત પણ આપી છે. વાહનવ્યવહાર સચિવ અરવિંદ સિંહે જણાવ્યું કે, આ નોટિફિકેશન ગયા શુક્રવારથી લાગુ થઈ ગયું છે. જોકે, રાજ્યમાં પ્રવેશતા વાહનો પાસેથી ગ્રીન ટેક્સ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવામાં થોડો સમય લાગશે. અગાઉ અમારી પાસે એન્ટ્રી પોઈન્ટ પર ચેકપોસ્ટ હતી. પરંતુ આ ચેકપોસ્ટ છેલ્લા કેટલાક સમયથી બંધ છે. મેન્યુઅલી ટેક્સ જમા કરાવવો પ્રવાસીઓ માટે અસુવિધાજનક છે, તેથી હવે ફાસ્ટેગ દ્વારા ગ્રીન ટેક્સ વસૂલવામાં આવશે.
ઉત્તરાખંડ સરકારે ગ્રીન ટેક્સને લઈને અલગ-અલગ વાહનો માટે અલગ-અલગ રકમ નક્કી કરી છે. આ ઉપરાંત કેટલાક વાહનોને પણ રાહત આપવામાં આવી છે. નોટિફિકેશન અનુસાર, જો તમે ઇલેક્ટ્રિક અથવા સીએનજી ઇંધણ પર ચાલતા વાહનમાં ઉત્તરાખંડ જાવ છો, તો તમારે ગ્રીન ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ ઉપરાંત ટુ-વ્હીલર, સરકારી, ફાયર એમ્બ્યુલન્સ, સૈન્ય અને કૃષિ વાહનોને પણ આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે.
ટેક્સ કલેક્શન ક્યારે શરૂ થશે?
આ યોજનાને લાગુ કરવાની સમયરેખા અંગે અરવિંદ સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર સાથેની વાતચીતમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ચારધામ યાત્રાના પ્રારંભ પહેલા ટેક્સ વસૂલાત શરૂ થઈ જશે. વાહનવ્યવહાર વિભાગના જણાવ્યા અનુસાર થ્રી વ્હીલર્સ પાસેથી રૂ. 20 અને ફોર વ્હીલર પાસેથી રૂ.40 વસૂલવામાં આવશે. જ્યારે, મધ્યમ અને ભારે મોટર વાહનોને અનુક્રમે 60 રૂપિયા અને 80 રૂપિયાનો ગ્રીન ટેક્સ ચૂકવવો પડશે.